પ્રાંતિજ તાલુકાના સાદોલીયા પાસેના બ્રિજ પરથી નીકળતાં વાહન ચાલકો ભય અનુભવે છે
આણંદ જિલ્લાના વડોદરાથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા પુલ બુધવારે નબળી મજબૂતાઇને કારણે ધરાશાયી થઇ ગયા બાદ પ્રજાએ સરકારને આડે હાથ લીધી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગને રાજ્યમાં આવેલા તમામ પુલોનું નિરીક્ષણ કરવાના આદેશ કર્યા છે.
ત્યારે સાબરકાંઠામાં આવેલા 51 પુલ પૈકી 17 પુલ 50 વર્ષ જૂના હોવા છતાં મજબૂતાઇમાં કોઇ ફરક પડ્યો નથી તેવી દાવો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કર્યો છે. પ્રાંતિજના સાદોલીયા પાસેના બ્રિજ પરથી નીકળતાં વાહન ચાલકો ભય અનુભવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી, તલોદ, વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નાની મોટી નદીઓ પર વર્ષો અગાઉ પ્રજાને અવર જવર કરવા માટે સુગમતા રહે તે આશયથી નાના-મોટા પુલ બનાવાયા હતા.
જોકે કેટલાક પુલનું બાંધકામ નબળુ હોવાની બૂમ ઉઠવા પામી હતી.
ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરીને રૂટીન કામગીરી કરીને સરકારને રિપોર્ટ આપી દીધો હતો. સાબરકાંઠા માર્ગ અને મકાન વિભાગના દાવા મુજબ તેમણે ગત મે મહિનામાં જિલ્લાના તમામ પુલોનું નિરીક્ષણ કર્યુ હતુ. જે તમામ પુલ સલામત છે.
બીજી તરફ પ્રાંતિજથી સાદોલીયા થઇ મહુડી જતાં માર્ગ પર સાબરમતી નદી પર બનાવેલ બ્રિજ ગમે તે કારણસર વાહનો પસાર થાય ત્યારે વાહન
ચાલકોને ધ્રુજારીનો અનુભવ થતો હોવાનો દાવો કરાયો છે. કેટલાક વાહન ચાલકોનું કહેવુ છે કે અમે વાહન લઇને સાદોલીયા બ્રિજ પરથી પસાર થઇએ છીએ ત્યારે પુલમાંથી ઉત્પન થતી ધ્રુજારીને લીધે ડર લાગે છે. દરમિયાન હિંમતનગર-મહેસાણા સ્ટેટ હાઇવે પર આવેલ દેરોલ પાસેના સાંકડા બ્રિજની રેલીંગ પણ કેટલેક ઠેકાણે ક્ષતિગ્રસ્ત થઇ છે.
સાબરકાંઠા ના 51 પુલો પૈકી 17 પુલ 50 વર્ષ જુના
By Himanshu Ramani (Idar)
Kapil Patel