અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, વેનેઝુએલામાં અમેરિકાના મોટા પાયે ઓપરેશન બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમજ તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ એ સવાલ ઉભો થયો છે કે શું અમેરિકા માદુરોની જેમ વિશ્વના કોઈપણ દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરી શકે છે? આ માટે આંતરરાષ્ટ્રીય કાયદો શું કહે છે, તેની વિગતવાર માહિતી જાણીએ.
આંતરરાષ્ટ્રીય કાયદામાં શું છે નિયમ?
આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, કોઈપણ દેશના રાજ્ય વડાને (રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનને) વ્યક્તિગત રક્ષણ અથવા ઇમ્યુનિટી મળે છે. આ રક્ષણ કોઈપણ કથિત ગુનાને ધ્યાનમાં લીધા વગર લાગુ પડે છે. તેમાં વિદેશી દેશની અદાલતો દ્વારા ધરપકડ, અટકાયત કે કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ ઇમ્યુનિટી સરકાર વડાઓ અને વિદેશ મંત્રીઓને પણ મળે છે. આ નિયમનો હેતુ એ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો સરળતાથી ચાલે અને નેતાઓ ધરપકડના ડર વગર મુસાફરી કરી શકે તેમજ રાજદ્વારી કામકાજ કરી શકે.
આ ઇમ્યુનિટીનો ફાયદો શું છે?
આ નિયમ કાયદાથી ઉપર નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કાનૂની અરાજકતા અટકાવવા માટે છે. આ વગર દુશ્મન દેશો વિદેશી નેતાઓને હેરાન કરવા અથવા અટકાયત કરવા અદાલતોનો દુરુપયોગ કરી શકે. જ્યાં સુધી કોઈ નેતાને કાયદેસર રાજ્ય વડા તરીકે માન્યતા મળેલી હોય, ત્યાં સુધી વિદેશી અદાલતો તેમની ધરપકડ કરી શકતી નથી.
ક્યારે ધરપકડ શક્ય છે?
રાષ્ટ્રીય અદાલતો રાજદ્વારી ઇમ્યુનિટીથી બંધાયેલી હોય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય અદાલતો અથવા ટ્રિબ્યુનલ્સ આનાથી મુક્ત હોય છે. રોમ સ્ટેચ્યુટ અનુસાર, નરસંહાર, યુદ્ધ ગુનાઓ કે માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC) જેવી સંસ્થાઓ રાષ્ટ્ર વડાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવા કેસમાં સત્તાવાર પદ કોઈ રક્ષણ આપતું નથી. જોકે, આ અધિકારક્ષેત્ર આંતરરાષ્ટ્રીય કાયદાથી જ મળવું જોઈએ, કોઈ એક દેશની એકપક્ષીય કાર્યવાહીથી નહીં.
માદુરોનો કેસ કેમ અલગ છે?
અમેરિકાનું તર્ક છે કે નિકોલસ માદુરોને રાજ્ય વડા તરીકેની ઇમ્યુનિટી મળતી નથી, કારણ કે વોશિંગ્ટન તેમને વેનેઝુએલાના કાયદેસર રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપતું નથી. અમેરિકા માને છે કે 2018ની ચૂંટણીમાં છેતરપિંડી થઈ હતી અને વિપક્ષી નેતા જુઆન ગુઆઇડોને અસલ રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી હતી. આ આધારે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે માદુરો અમેરિકન કાયદા હેઠળ ઇમ્યુનિટીના હકદાર નથી.
સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર અમેરિકા અથવા કોઈપણ દેશ વિદેશી રાષ્ટ્રપતિની આવી ધરપકડ કરી શકતું નથી, સિવાય કે તે વ્યક્તિ પદ પર ન હોય અથવા આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલનું અધિકારક્ષેત્ર હોય. માદુરોના કેસમાં અમેરિકાએ તેમને માન્ય રાષ્ટ્રપતિ તરીકે નકારી કાઢ્યા છે, જેથી આ કાર્યવાહીને તેમણે કાયદેસર ગણાવી છે.
આ ઘટના આંતરરાષ્ટ્રીય કાયદાની જટિલતાઓ દર્શાવે છે, જ્યાં રાજકીય માન્યતા અને કાનૂની ઇમ્યુનિટી વચ્ચે અથડામણ થાય છે.
અમેરિકા કોઈપણ દેશના રાષ્ટ્રપતિની નિકોલસ માદુરોની જેમ ધરપકડ કરી શકે? આંતરરાષ્ટ્રીય કાયદાની સંપૂર્ણ માહિતી.
By Kapil Patel (Bangalore)