AMTS દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રાદ્ધાળુઓને વિવિધ મંદિરે દર્શન કરવામાં વધુ સરળતા રહે તે માટે વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. AMTSની બસોમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે તેમજ નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. AMC હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3,000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ.5,000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોંચની નકલ પણ જમા કરાવવાની રહેશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે પરંતુ વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે. જેના માટે લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. અડાલજના ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ધસારો અને પાર્કિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી.

આ મંદિરોના દર્શનનો લાભ મળશે

જલારામ મંદિર(પાલડી), હરેકૃષ્ણ મંદિર (ભાડજ), વૈષ્ણોદેવી મંદિર, કોટેશ્વર મહાદેવ (મોટેરા), વિશ્વ ઉમિયા ધામ(જાસપુર), કેમ્પ હનુમાન મંદિર, નરોડા બેઠક, સિદ્ધિ વિનાયક મંદિર (મહેમદાવાદ), સોમનાથ મહાદેવ (ગ્યાસપુર), રામજી મંદિર (વસ્ત્ર્રાલ), લાંભા મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), સોલા ભાગવત વિદ્યાપીઠ, મહાકાલી મંદિર (દૂધેશ્વર), નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડ ભંજન હનુમાન (બાપુનગર), ચકુડિયા મહાદેવ, જગન્નાથજી મંદિર, સ્વામીનારાયણ મંદિર (નારણઘાટ), માર્કેન્ડય દેવાલય (રખિયાલ), ગુરૂગોવિંદ ધામ, તિરુપતિ બાલાજી, અક્ષર પુરષોત્તમ મંદિર અસારવા બેઠક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, તીર્થધામ પ્રેરણાપીઠ (પીરાણા), અમરનાથ મહાદેવ (બાપુનગર)