રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક મોટી ઘટના બની છે. અહીં ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગ્યા બાદ આસપાસ ઊભેલી અન્ય બે કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી.
8ના મોત, 10ને ઈજા
રિપોર્ટ મુજબ બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક લોક નાયક સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટની જાણ થતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
લાલ કિલ્લા પાસે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર
દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.
સમગ્ર દિલ્હીમાં હાઇઍલર્ટ
લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ, આસપાસ બે કારો બળીને ખાક.
By Kapil Patel (Bangalore)