કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 5 : સગપણ સમસ્યા હલ કરવાના મુખ્ય હેતુથી રચાયેલા જૈન મેરેજ મિશનની વેબસાઇટનું લોકાર્પણ સંસ્થાના ચેરમેન ચંદ્રકાંતભાઈ ગોગરીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયત્ન સારો છે. સમાજના દીકરા-દીકરીઓને જલ્દી લગ્ન કરવા નથી. વાસ્તવમાં યોગ્ય ઉંમરે લગ્ન કરી લેવા જોઇએ. બધી કચ્છી જ્ઞાતિઓ એક થાય, તો ચાર લાખની વસતી થશે તેથી પસંદગીનું ફલક વિસ્તરશે. - મારવાડી-ગુજરાતી જૈનોને જોડશું : દાદર-વેસ્ટમાં નવનીત ભવન ખાતે યોજાયેલી કચ્છની વિવિધ જૈન જ્ઞાતિઓની બેઠકમાં સંસ્થાના પ્રમુખ તરલાબેન છેડાએ જણાવ્યું કે, સગપણ સમસ્યા હલ કરવા બધી જ જૈન જ્ઞાતિઓને જોડવાનો વિચાર પત્રકાર દેવચંદભાઈ છેડાને આવ્યો હતો. તેમણે મને અને શાંતિલાલ મારૂને વાત કરી પછી જૈન મેરેજ મિશનની સ્થાપના થઈ. અત્યાર સુધીના પ્રયાસો પછી આઠ જ્ઞાતિ જોડાઈ છે, જેમાં કચ્છી વીશા ઓશવાળના સ્થાનકવાસી અને દેરાવાસી એમ બંને ફિરકા વાગડ વીશા ઓશવાળ, દશા ઓશવાળ, કચ્છ ગુર્જર જ્ઞાતિ, કચ્છ વાગડ બે ચોવીસી, વાગડ સાત ચોવીસી, કચ્છી દશા શ્રીમાળી વણિક અને હાલારી વીશા ઓશવાળ સમાજ-મુંબઈનો સમાવેશ થાય છે. આગળ જતાં મારવાડી અને ગુજરાતી જૈનોને જોડવાના પ્રયત્નો કરશું. બે મહિના પછી યુવક-યુવતી સંમેલન યોજશું. પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ પણ કરશું. - સૌનો સાથ સૌનો વિકાસ : સ્વપ્નદૃષ્ટા દેવચંદભાઈ છેડાએ જણાવ્યું કે, ત્રણ વર્ષથી આ વિચાર ચાલતો હતો. બધાનો સાથ સહકાર મળશે, તો સંસ્થાનું કામ આગળ વધશે. - દીકરીવાળા ઉત્સાહ બતાવે : વાગડ વિ.ઓ. ચોવીસી મહાજનના પ્રમુખ ડો. નાગજીભાઈ રીટાએ જણાવ્યું કે, યોગ્ય પાત્ર ન મળવાથી દીકરીઓ ઇત્તર જ્ઞાતિમાં જાય છે, વળી જ્યાં પ્રયાસો થાય છે,
ત્યાં દીકરીઓના બાયોડેટા આવતા નથી. મા-બાપ ઓછો ઉત્સાહ બતાવે છે. વેબસાઇટ બનાવનારા નીલેશ મહેતાએ વેબસાઇટની કામગીરી અને ઉપયોગિતા વિશે માહિતી આપી હતી. બેઠકનું સંચાલન બંસીલાલ છેડાએ કર્યું હતું. આ બેઠકમાં અગ્રણી શાંતિલાલ મારૂ, જયંતભાઈ છેડા (પ્રિન્સ), દિલીપ પ્રેમજી સંઘવી, નયન ભેદા, રમેશ મહેતા, દીપકભાઈ ભેદા, નવનીતના સર્વેસર્વા બિપીનભાઈ ગાલા, ધીરજભાઈ મહેતા, જયંતીલાલ છાડવા, જયાબેન મારૂ, વિશનજી મારૂ, રમણિક સંગોઈ ઉપસ્થિત રહ્યા હતા. સુરેખાબેને આભારવિધિ કરી હતી.
સગપણ સમસ્યા હલ કરવા ક્ચ્છની આઠ જૈન જ્ઞાતિ જોડાઈ : વેબસાઇટ ખુલ્લી
By Kapil Patel (Bangalore)