રેલ્વે દ્વારા અસારવાથી વાયા હિંમતનગર થઈ રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક સ્થળોને આવરી લેવા શરૂ કરાયેલી ટ્રેન સેવા ખૂબ જ ઓછી હોવાને કારણે જેનો સામાન્ય પ્રજાને લાભ મળતો નથી. રાજસ્થાનના બાસવાડાના સાંસદે થોડાક સમય અગાઉ રેલ્વે મંત્રીની મુલાકાત લઈને વધુ ટ્રેનો શરૂ કરવા તેમજ વી.આઈ.પી ગણાતી ટ્રેનોના સ્ટોપેજ વધારવા તથા હયાત રેલવે સ્ટેશનો પરની સગવડોમાં વધારો કરવા માટે માંગ કરી હતી.

આ અંગે બાસવાડાના સાંસદ રાજકુમાર રોતે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે સત્વરે અમદાવાદ થી વાયા હિંમતનગર થઈ દોડતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવો જોઈએ. રેલ્વે વિભાગ દ્વારા અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવાની જે જાહેરાત કરી હતી તે આવકાર્ય છે. પરંતુ વી.આઈ.પી ગણાતી આ ટ્રેનનો સમય સામાન્ય પ્રજાને અનુકુળ હોય તેવો રાખવો જોઈએ તથા સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં આવતાં મોટા રેલવે સ્ટેશનો પર વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવું જરૂરી છે. કારણ કે આવા સ્ટેશનો પરથી અનેક મુસાફરોને વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરવા માટે તથા લાંબા અંતરે જતાં હોય છે. ત્યારે રેલ્વેએ તેના માટે પણ જરૂર પડે રેલ્વે અધિકારીઓ પાસે સર્વે કરાવવો જોઈએ. અમદાવાદ રેલવે સ્ટેશન પર કલાકો સુધી પડી રહેતી લોકશક્તિ એકસપ્રેસ ટ્રેનને ઉદયપુર સુધી લંબાવવી જોઈએ તેમજ અમદાવાદથી ચેન્નાઈ વચ્ચે દોડતી નવજીવન એકસપ્રેસ અને ગુજરાત મેલને જો ઉદયપુર સુધી દોડાવાય તો પ્રજાને વધુ લાભ મળી શકે તેમ છે.