સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામમાં આવેલા એક ખાનગી વેપારીને ત્યાં મજૂરી કરતો યુવકને એકાએક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું અને આ ઘટનાની જાણ થતા જ ઈડર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે મરણજનાર યુવકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે આ અંગે પોલીસે એ.ડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના બડોલી ગામમાં રહેતા માધાભાઈ પશાભાઈ રાવળ આશરે ઉંમર વર્ષ.૩૫ જેઓ બડોલી ગામના એક વેપારી સુરેશ શંકર દેવીપૂજકના એકમમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આજે તા. ૨૫ જુલાઈ ૨૦૨૫ ગુરુવારના રોજ માધાભાઈ રાવળ મજૂરી કામ જ્યાં કરતો હતો તે વેપારીને ત્યાં કારખાનાની બહાર હાઈવે પર આવેલ એક ઝાડનો ફાલ ઉતારવા ચડયો હતો. તે સમયે નજીકમાં આવેલી યુ.જી.વી.એલ ની વીજ ડી.પી ના તાર અડી જતા યુવકને એકાએક કરંટ લાગ્યો હતો. જેને લઈને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પરંતુ યુવકના મોતના સમાચાર એકાએક વાયુવેગે પ્રસરી જતા પરિવારજનો સહિત રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને જે બાદ માહોલ ગરમાયો હતો અને મૃતદેહને ત્યાંથી લઈ જવાની ના પાડી હતી અને યુવક જે વેપારીને ત્યાં કામ કરતો હતો. તે વેપારી પર ગંભીર આક્ષેપો કર્યા હતા પરંતુ ઈડર પોલીસ ત્યાં પહોંચી હતી અને બડોલી આઉટ પોસ્ટના પી.એસ.આઈ પ્રવિણસિંહ કુંપાવત તેમજ રાવળ સમાજના આગેવાનો એ પરિવારજનો તેમજ સમાજના લોકોને સમજાવતા સમગ્ર મામલો થાળે પડયો હતો ત્યારબાદ યુવકના મૃતદેહને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે આ મામલે ઈડર પોલીસે એ.ડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.